top of page
પૂજ્ય શ્રી ધૂળિયાદાદા દેવસ્થાનક - બાબરા નો સંક્ષિપ્ત ઈતિહાસ:

બાબરા ગામ ગુજરાત - સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલું છે. બાબરા ગામ રેલ્વે લાઇન થી જોડાયેલું નથી, પરંતુ રાજકોટ - ભાવનગર ને જોડતાં સ્ટેટ હાઇવે પર આવેલું હોવાથી રસ્તા માર્ગે ત્યાં સરળતાથી પહોંચી શકાય છે. એમ કહેવાય છે કે પાંડવોના વનવાસ દરમિયાન પ્રસંગોપાત નાગલોકમાં ગયેલ બા બાણાવી અજેય અર્જુનના પરાક્રમોથી નાગરાજ ખુબ પ્રભાવિત થયા, નાગ કન્યા અર્જુનથી મોહીત થઈ અને નાગરાજાએ બંને ના લગ્ન કરાવી આપ્યાં. નાગકન્યાથી અર્જુનને   બબરૂવાહન નામે પરાક્રમી પુત્ર થયો. પાંડવ કૌરવોના યુધ્ધ સમયે હાલનાં પૂજ્ય શ્રી ધૂળિયાદાદાના મંદિર પાતાળમાંથી બબરૂવાહનએ બહાર આવી યુધ્ધમાં પાંડવોને વિજય અપાવ્યો. ત્યારબાદ પાતાળમાં પરત જતી વખતે ત્યાં હાજર રહેલા આપણા વ્યાસ કુટુંબનાં એક વડીલ મહાનુભાવે દેવતાના સાક્ષાત દર્શન કર્યા અને દેવતાના ચરણમાં પડી પૂજન અર્ચન કરતાં પૂજ્ય દાદા પ્રસન્ન થયા. દેવતાની આજ્ઞા મુજબ પોતે જ્યાંથી પ્રગટ થયેલા ત્યાં પડેલો ખાડો, એ વડીલ પાસે પુરાવી દીધો. આ રીતે બબરૂવાહનના નામ પરથી ગામનું નામ બાબરા પડયું. આ બાબરા ગામમાં આપણા કુળદેવતા પૂજ્ય શ્રી ધૂળિયાદાદા બિરાજે છે. આમ, પૂજ્ય શ્રી ધૂળિયાદાદાનું સ્થાનક ખુબજ પૌરાણિક છે. પૂજ્ય દાદાનું સ્થાનક કાળુભાર નદીના કિનારે આવેલું છે. એક કિનારે ભગવાન શિવજી "નીલકંઠ " મહાદેવનું અત્યંત પૌરાણિક મંદિર છે, જ્યાં પાંચ કુંડો આવેલા છે. જેથી આ મંદિર પંચકુંડનું શિવજી મંદિર તરીકે જાણીતું છે, તો બીજા કિનારે હાલ ધૂળિયા પટ તરીકે ઓળખાતા વિસ્તારમાં પૂજ્ય શ્રી ધૂળિયાદાદાનો ટીંબો છે. 

આ ઉપરાંત ગામનાં વડીલ વર્ગ પાસેથી સાંભળવા મળેલ લોકોકિત અનુસાર પાંડવો જ્યારે વનવાસ ગયાં ત્યારે પંચકુંડની પવિત્ર ભૂમિએ નિવાસ કરી પૂજ્ય શ્રી ધૂળિયાદાદાના ટીંબા નીચે પોતાનું જર-ઝવેરાત રાખી ગયાં અને તેના રક્ષણ માટે પૂજ્ય ધૂળિયાદાદા (ખેંતલીયા દાદા) ની સ્થાપના કરી અને તેની સેવા પૂજા આપણા અસાવલા વ્યાસ ને સોપી વનવાસે સીધાવેલા.એમ કહેવાય છે કે અંગ્રેજોના રાજ દરમિયાન એજન્સી વહીવટકારોએ કાઠી દરબારના આ ગામમાં એક સમયે ટીંબા નીચે આવેલ જર-ઝવેરાત માટે ખોદકામનો પ્રયાસ કરતા ભમરાઓએ તેમને ઘેરી લીધેલ. આ બંને અંગ્રેજોની ખાંભી બાબરા ગામમાં ખોડાયેલ અને જેમાંની એક હજી મોજુદ છે. 

આપણા આદિપુરુષ શ્રી વૈકુંઠ વ્યાસ અસાવલા વ્યાસ હતા. તેઓ બાબરા રહેતા હતા. તેમના પુત્ર શ્રી ભાયાજી વ્યાસ એક સમર્થ પરાક્રમી, ધનવાન અને જ્ઞાતિના આગેવાન નેતા હતા. વિ.સં.૧૮૨૭ માં ભાયાજી વ્યાસે પિતાશ્રી વૈકુંઠ વ્યાસ ના    આખા કાઠિયાવાડની શિહોર સમવાય નાત નું તેડું કર્યું. કારજ બાદ પૂજ્ય શ્રી ધૂળિયાદાદાના સ્થાનકે હોમાત્મક સહસ્ત્ર ચંડી અને રૂદ્રભિષેક યજ્ઞ કર્યાં. આ સમયે ૯ દિવસ સુધી વિવિધ મિષ્ટ ભોજન કરાવી આખી નાતને એક સોનાની અને એક ચાંદીની એમ બે-બે ટબુડીનું દાન કર્યું. આ સમયે બાબરાના કાઠી દરબારો ભાયાજી ના કરજ નીચે હતાં. ભાયાજી પાસે ઘણો પૈસો છે માટે કરજમાંથી છૂટવા ભાયાજીની કતલ કરી પૈસા લુંટી લેવાની યોજના કરી. પૂજ્ય શ્રી ધૂળિયાદાદાએ ભાયાજી ને સ્વપ્નમાં આવીને દરબારના નિર્ણયની જાણ કરી,બાબરા છોડી જવાની સલાહ આપી. ભાયાજીએ તત્કાળ બાબરા છોડ્યું. ધોળીધાર ગામથી એકાદ ગાવ દૂર કાઠી દરબારો ભાયાજી ને આંબી ગયા. આ સમયે પૂજ્ય શ્રી ધૂળિયાદાદા (ખેંતલીયા દાદા) એ એક હથિયારધારી પુરુષ નું સ્વરૂપ ધારણ કરી મદદરૂપ બન્યા અને કહ્યું કે સામે જે ધાર ઉપર ગામ છે ત્યાં આ ત્રણેય પથ્થરો કે જેના વડે તે સગરામ ના પૈડાં સમા કરેલ છે, તેની સ્થાપના કરજે. હું જેમ બાબરામાં રહું છું તેમ ધોળીધારમાં રહીશ અને તારા વંશજોનું રક્ષણ કરીશ. આમ વિ.સં.૧૮૩૦ માં ધોળીધાર માં પૂજ્ય શ્રી દાદા ની સ્થાપના કરી. શ્રી ભાયાજી બાજુનાં મેવાસા ગામમાં રહેવા લાગ્યા. ધોળીધાર, ગોંડલ-જામકંડોરણા રસ્તા માર્ગ પર આવેલું ગામ છે. 

આ રીતે શ્રી ભાયાજી વ્યાસ અસાવલા વ્યાસ હોવા છતાં ભાયાણી વ્યાસ કહેવાયા. તેના વંશજો ધોળીધાર પૂજ્ય શ્રી દાદાના દર્શનાર્થે જાય છે. અસાવલા વ્યાસ બાબરા પૂજ્ય શ્રી ધૂળિયાદાદાના દર્શનાર્થે જાય છે.પૂજ્ય શ્રી દાદાના બન્ને સ્વરૂપો એકજ છે. આપણા પૂર્વજોના સંસ્કાર મુજબ લગ્નની છેડા છેડી  છોડાવવા, પુત્ર જન્મ અને જનોઈ પ્રસંગોએ કુટુંબીજનો દેવ સ્થાનકોએ પધારે છે. આવતા કુટુંબીજનો ને બધી સગવડો મળે તે હેતુથી બાબરામાં સ્વ. શ્રી મગનલાલભાઈ ડાહ્યાલાલભાઈ વ્યાસ (પૂજ્ય મગનદાદા-ગોંડલ)એ કુટુંબીજનો ના સહકારથી અહીં શૂન્ય માંથી સર્જન કર્યું. અતિથિગૃહો, પૂજારી નિવાસસ્થાન, રહેવા માટે વિશાળ હોલ તેમજ પાગરણ,ઠામ-વાસણ, પાણી વગેરેની સગવડ ઊભી કરી અને સ્થાનક ને યાત્રાધામ તરીકે વિકસાવ્યું.તેમનાં ચીલ્લે ચાલીને તથા પૂજ્ય શ્રી ધૂળિયાદાદા ના આશીર્વાદ સાથે કુટુંબીજનો ના સાથ સહકાર થી છેલ્લાં ૩૫ વર્ષો થી કાર્યભાર સંભાળતા શ્રી રમેશભાઈ દુર્ગાપ્રસાદભાઈ વ્યાસ-ગોંડલ, વર્તમાન ટ્રસ્ટી મંડળ -સભ્યો સાથે મળીને અહીં ઉતરોતર વિકાસ કરવા પ્રયત્નશીલ રહે છે. આ વિકાસ યાત્રા માં પ્રત્યેક કુટુંબીજન ફાળો અમૂલ્ય છે.
bottom of page